Monday, May 23, 2011

કોંગ્રેસી નીતિ : ગમે તે થાય, મોદીને સજા કરો

સંજીવ ભટ્ટે તો તેમનો દાવો કરી દીધો. પણ શું મોદીને હટાવવા કેન્દ્ર સરકાર લોકશાહીનાં લીરા ઉડાવી રહી છે તે યોગ્ય છે?

અજય સિંઘ, ગવર્નેન્સ નાઉ
પશ્ચિમ બંગાળની તાજેતરની ચૂંટણીનો પ્રચાર જ્યારે પૂરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે ટાઈમ્સ નાઉએ પુરુલિઆ આર્મ્સ ડ્રોપ કેસનાં આરોપી કિમ ડેવીનો ઈન્ટરવ્યુ લીધો. કિમ ડેવીએ કહ્યું કે, હથિયારોનો બહુ મોટો જથ્થો આનંદ મારગિસ માટે હતો અને તેની પાછળ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની સરકાર ખેરવી નાંખવાનો ઈરાદો હતો. ડાબેરીઓએ આ વાતને સાવ ઢીલી રીતે લીધી જ્યારે અન્ય લોકોએ આને એક ગુનેગારનો મૂર્ખતાભર્યો બકવાસ લેખાવ્યો. ડેવીએ એમ પણ કહ્યુ કે તેનાં જે પ્લેનને મુંબઈ હવાઈમથક પર ઉતરવાની ફરજ પડાઈ હતી તેમાં ઈન્ટેલીજેન્સ એજન્સીઓનાં ઈશારે તેને ભારતની બહાર લઈ જવામાં આવી રહ્યો હતો.

આવા આરોપો માટે કોઈને પણ જોકે સહજેય શંકા તો જવાની જ. પણ અહીં જે વાત અર્થસૂચક છે તે એ છે કે ડેવી જેવા રીઢા ગુનેગારોને પણ ખ્યાલ છે કે ભારતીય સમવાયતંત્ર હવે બેસૂરુ થઈ રહ્યુ છે અને આ પરિસ્થિતીનો લાભ ઉઠાવીને પોતાના ગુનાઓને ઢાંકી દઈ શકાય એમ છે. અને ડેવી જે કહી રહ્યો છે તે સાવ જુઠ્ઠાણું નથી એવું માનવાનાં કારણો પણ છે. પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસનાં સંદર્ભે સીબીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ પણ કબુલ્યુ હતુ કે આ આખીય તપાસમાં આખરે ભીનું સંકેલાવાનું છે કેમકે જો તપાસ થાય તો સરકારી માળખાનાં કેટલાય હાડપિંજર બહાર આવે તેમ છે. આ કેસનાં અન્ય એક આરોપી પીટર બ્લીચે સીબીઆઈ સમક્ષ વારંવાર કહ્યુ હતું કે, “જો હું અંદરની વાત ખોલીશ તો તમારી સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડશે”. બ્લીચને ત્યારબાદ બ્રિટિશ રાજદ્વારીનાં દબાણ હેઠળ દયાની રાહે છોડી મુકવામાં આવ્યો હતો.

અને એ યોગાનુયોગ નથી કે યુપીએ સરકાર ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ધરાશાયી કરવા હજી અન્ય એક પ્રયુકિત અજમાવી રહી છે. અને આ અનોખી પ્રયુક્તિમાં કેન્દ્ર સરકાર એક લોકતાંત્રિક હથિયારનો ઉપયોગ કરી રહી છે. રાજ્ય સરકારનાં પહેલેથી ભ્રષ્ટ હોય એવા અધિકારીઓને તે હાથા તરીકે વાપરી રહી છે અને આ અધિકારીઓ કેન્દ્ર સરકારનાં હાથનાં પ્યાદા બનવા તૈયાર જ છે.
આવા જ એક અધિકારી છે ગુજરાત કેડરનાં આઈપીએસ કુલદીપ શર્મા. શર્માની સામે ગુજરાતમાં ફોજદારી આરોપો થયેલા છે. કેન્દ્ર સરકારને શર્મામાં રસ પડ્યો છે. કારણ એ કે શર્માએ મોદીની વિરુધ્ધમાં બયાનબાજી કરી છે. શર્માની ન તો બદલી થઈ હતી કે ન તો રાજ્ય સરકારે તેમને વિજિલેન્સ ક્લીયરંસ આપ્યુ હતુ. છતાંય, કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે એકપક્ષી નિર્ણયથી તેમને ગુજરાતનાં બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં એડિશનલ ડીજીપી પદે નિયુક્ત કરી દીધા હતા.

આ મુદ્દો હવે વધુ ગંભીર સ્વરૂપ પકડી રહ્યો હોય તેવું લાગે છે કારણકે ગુજરાત સરકારનાં મુખ્ય સચિવે કેન્દ્રનાં ગૃહસચિવને આ કિસ્સામાં નિયુક્તિ અંગેનાં પ્રવર્તમાન નિયમોનો ભંગ થયો છે એ અંગેનો પત્ર લખ્યો છે. રાજ્ય સરકારનાં પત્રને દબાવી દેવામાં આવ્યો છે અને તેથી તે આ બાબતને લઈને કોર્ટમાં ગઈ છે.
શર્માનો કિસ્સો એકમાત્ર કિસ્સો નથી. આવા જ એક અન્ય કિસ્સામાં, આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ - કે જેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુધ્ધમાં સુપ્રિમ કોર્ટમાં એફિડેવીટ દાખલ કરી હતી – કેન્દ્રનાં ગૃહપ્રધાન ચીદંબરમે તેમની પીઠ થાબડીને કહ્યું કે તેમણે બહુ ‘બહાદુરી’નું કામ કર્યુ છે. ચિદંબરમ ખૂબ સગવડતાથી એ વાત ભુલી ગયા કે સુપ્રિમ કોર્ટે નિયુક્ત કરેલ સીટે સંજીવ ભટ્ટે એફિડેવીટમાં કરેલા દાવાને નકારી કાઢ્યો છે.

હવે ભટ્ટનાં ‘બહાદુરી’ભર્યા રેકોર્ડ ઉપર નજર નાંખો. ઓક્ટોબર ૧૭, ૧૯૯૬ નાં રોજ - જ્યારે મોદી ગુજરાતનાં ચિત્રમાં ક્યાંય નહોતા ત્યારે - રાજસ્થાનનાં પાલી ખાતે તેમની વિરુધ્ધ એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી. ભટ્ટ તે વખતે રાજસ્થાનની સીમા નજીકનાં ગુજરાતનાં બનાસકાંઠાનાં એસ.પી હતા. તેમની ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક કોમર્શિયલ જગ્યાને ખાલી કરાવવા માટે તેમણે સુમેરસિંઘ રાજ્પુરોહિત નામક વ્યક્તિને નશીલા દ્રવ્યોનાં કેસમાં ફસાવ્યા હતા. તપાસનાં અંતે ભટ્ટ સામે જોધપુરની એન.ડી.પી.એસ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ભટ્ટે જોકે સુપ્રિમ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લીધો પણ એન.એચ.આર.સી. એ તેમને અવિવેકી કૃત્ય બદલ રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ રાજ્ય સરકારે ભોગવી. ખબર છે સુપ્રિમ કોર્ટમાં સંજીવ ભટ્ટની બ્રીફ કોણે આપી હતી? બીજુ કોઈ નહિ પણ ખુદ ચિદંબરમે!
ભટ્ટનાં ‘બહાદુરી’ભર્યા કાર્યો આટલેથી નથી અટકતા. ૧૯૯૫માં જામજોધપુરમાં તેમનાં ટોર્ચરને કારણે કસ્ટડીમાં પ્રભુદાસ વૈશ્નાની નામનાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. ત્યારે તેઓ માત્ર એક ટ્રેઈની ઓફિસર હતા. હાઈકોર્ટે તેમને તે વખતે પણ દંડ ફટકાર્યો હતો. અન્ય એક કેસમાં, નારણ જાદવ નામનાં એક અટકાયતીને તેમણે ટોર્ચર કરીને ઈલેક્ટ્રિક શોક આપ્યા હતા તેવો આરોપ કરવામાં આવ્યો હતો. નવ વર્ષનાં વહાણા વહી ગયા બાદ તેઓ કહે છે કે ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પોતે હાજર હતા અને તેમાં મુખ્યમંત્રીએ હિન્દુઓને પોતાનો રોષ ઠાલવી દેવાનો આદેશ આપ્યો હતો. શું આ વાત આશ્ચર્યકારક નથી? આધારભુત સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ભટ્ટ પોતાની સામેનાં તમામ કેસનો નિવેડો લાવવા માટે વ્યાકુળ હતા અને આ માટે ઉપરથી દરમ્યાનગીરી થાય તેવું ઈચ્છતા હતા. તેમને બઢતીને નામંજુર કરવામાં આવી હતી અને એટલે તેમનાં મનમાં સરકાર માટે રોષ ભરેલો હતો. આવા સમયે, કેન્દ્રનાં ગૃહપ્રધાને તેમનાં ગુણગાન ગાયા. એક અસંતુષ્ટ અધિકારીને મુખ્યમંત્રીની સામે બંડ કરવા માટે ઉશ્કેરવા સિવાય એ બીજું શું હતું?

કેન્દ્ર સરકાર સાવધાનીપૂર્વક ગુજરાતનાં સરકારીતંત્રમાં બંડખોરીને ઉત્તેજન આપી રહી છે અને આ વિક્ટ પરિસ્થિતિનો મુકાબલો રાજ્ય સરકારે કરવો પડે તેમ છે. તાજેતરમાંજ ભ્રષ્ટાચારનાં કેસમાં જેલમાં સડી રહેલા એક બઢતી પામેલ આઈ.એ.એસ. અધિકારી પ્રદીપ શર્મા મોદીની સામે પડ્યા. તેમણે ૨૦૦૨ નાં રમખાણોમાં મોદીની સામેલગીરી અંગે બધી જ મહિતી આપી દેવાનો વાયદો કર્યો. ફરી એકવાર, ગૃહપ્રધાન - કે જે દેશનાં દરેક આઈ.એ.એસ અને આઈ.પી.એસ અધિકારીની કેડરને નિયંત્રિત કરે છે – તેમણે મુખ્યમંત્રીની સામે પડવા માટે શર્માની પ્રશંસા કરી. સંજોગવશાત, પ્રદીપ શર્મા અને કુલદીપ શર્મા બંન્ને ભાઈઓ છે.
યુપીએ સરકાર મોદીને ચૂંટણીમાં તો પછાડી ન શકી પણ તેની આ નવી પ્રયુક્તિ ઘણી કામયાબ સાબિત થઈ રહી છે. રાજ્ય વિરુધ્ધ સુપ્રિમ કોર્ટમાં સંખ્યાબંધ તપાસ ચાલી રહી છે ત્યારે થોડા અસંતુષ્ટ અને બદનામ અધિકારીઓને મુખ્યમંત્રીને પડકારવાનો આસાન રસ્તો મળી ગયો છે, કારણકે મુખ્યમંત્રી પરેશાન થઈને કોર્ટનાં ચુકાદાઓની રાહ જોયા વિના બીજુ કાંઈ કરી શકે એમ નથી. મોદીની સામે રાજકીય હિસાબ સરભર કરવા માટે રાજ્ય સરકારને ધરાશાયી કરવાની આ અનોખી પ્રયુક્તિ અજમાવવામાં ભારતનાં સમવાયી માળખાની સદંતર અવગણના કરવામાં આવી રહી છે.

ડેવીએ નરસિંહરાવની સરકાર સામે કરેલા આરોપો પણ આ સંદર્ભે સૂચક છે. જો આ આરોપોને થોડા ઘણા પણ સાચા માની લેવામાં આવે, તો પણ કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે ચૂંટાયેલી રાજ્ય સરકારો વિરુધ્ધ સશસ્ત્ર બળવા સહિતની અનોખી પ્રયુક્તિઓ અપનાવે છે, તેવું માની શકાય છે.
પ્રતિસ્પર્ધીઓ દ્વારા ચલાવાતી રાજ્ય સરકારોને ભાંગી પાડવાની કોંગ્રેસની આ આદતનો ઈતિહાસ ઘણો જૂનો છે. રાજ્ય સરકારો ઉપર કેન્દ્રનાં આધિપાત્યનો આ ખ્યાલ છેક ૧૯૫૯ માં પાર્ટીની માનસમાં ઘર કરી ગયો હતો જ્યારે તે સમયે AICC નાં પ્રમુખ ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન નહેરુને તેમનાં પોતાનાં લોકશાહી મૂલ્યોની વિરુધ્ધ જઈને કેરળની સામ્યવાદી સરકારને ઉથલાવવાની વાત ગળે ઉતારી દીધી હતી. આ વાતને ટાંકીને જસ્ટિસ ક્રિશ્ના ઐયરે એકવાર કહ્યુ હતુ કે, કોંગ્રેસે દેશની સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકારને ગબડાવી પાડવા માટે મોટા પાયે કોમી હિંસા ભડકાવી હતી. ઈન્દિરાનાં શાસનમાં રાજ્યો પ્રત્યે દુરવ્યવહાર રાખવાની આદત વધારે મજબુત બની. અને આગળ જતા રાજીવ ગાંધીનાં સમયમાં તો વડાપ્રધાનનાં મનનાં તરંગો મુજબ જ મુખ્યમંત્રીઓને હટાવી દેવામાં આવતા હતા.

એસ.આર.બોમાનીએ એક ચુકાદામાં કલમ ૩૫૬ ને ‘ઈન્સાફી તપાસને પાત્ર’ ગણાવીને ચૂંટાયેલી સરકારોને હટાવી દેવા ઉપર કડક શરતો લાગુ પાડી. ત્યારબાદ સરકારોને ઉથલાવી દેવાનું કામ મુશ્કેલ બન્યું. અને પછી કોંગ્રેસે પ્રતિસ્પર્ધીઓ દ્વારા ચલાવાતી રાજ્ય સરકારોને ઉથલાવી પાડવા માટે અનોખી પ્રયુક્તિઓ આદરવાનું શરૂ કર્યુ હોય એમ લાગે છે અને આ માટે તે દેશનાં સ્થાપિત સંસ્થાનોનો ઉપયોગ કરીને તેમની ઘોર ખોદી રહી છે. જો ડેવીનાં પર્દાફાશને અવગણવામાં આવે તો પણ, ગુજરાતમાં યુપીએ સરકારે કરેલી વિધ્વંસક ચાલબાજીઓ એ વાત સ્પષ્ટ કરે છે કે સમવાય માળખાની અવગણના કરવાની કોંગ્રેસની આદતમાં સુધારો થાય એમ નથી અને આ આદત હવે પાર્ટીનાં ડી.એન.એ. નો હિસ્સો બની ચૂકી છે.

No comments:

Post a Comment